Pages

શુક્રવાર, 29 મે, 2026

બધી અદૃશ્ય પરીક્ષાઓ

 

કોઈ જોતું ન હોય ત્યારે પ્રગટે તે સાચું ચારિત્ર્ય

મધરાતે અસાઇન્મેન્ટ પૂરા કરનારા મારા પ્રિય પરાક્રમીઓ,

સૌપ્રથમ તો તમને અભિનંદન. ગુજરાતની ગરમી હવે સત્તાવાર રીતે અણીદાર બની ગઈ છે. છતના પંખા હવે જીવનના અર્થ વિશે વિચારતાં હોય એવું ફરતા લાગે છે. બજારમાં કેરીઓ એવો આત્મવિશ્વાસ લઈને આવી છે જેમ ચૂંટણી પહેલાંના ઉમેદવારો આવે અને અમદાવાદના કોઈ ખૂણે હજી પણ કોઈ વિદ્યાર્થી YouTube પર શોધી રહ્યો છે “એક જ રાત્રે આખું સેમેસ્ટર કેવી રીતે પૂરું કરવું, તે પણ ગભરાયા વગર?”

બેટા, જો એવો વીડિયો ખરેખર કામ કરતો હોત ને, તો સોક્રેટિસે પણ એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દીધી હોત! આજકાલ નકલ કરવી ભયંકર સરળ બની ગઈ છે. Artificial Intelligence, hidden tabs, smart watches, copied assignments અને forward થયેલા PDFs એ બેઈમાનીને ગરમ ભાખરી પર માખણ જેવી સરળ બનાવી દીધી છે. એક ક્લિક અને એવો નિબંધ તૈયાર કે જે લખનારના દાદા કરતાં પણ વધુ સમજદાર લાગે!

સોક્રેટિસના નામે એક વાત કહેવાય છેઃ એક વિદ્યાર્થીએ તેમને પૂછ્યું કે વિશ્વાસ કેવી રીતે જન્મે?

સોક્રેટિસે કહ્યું કે વિશ્વાસ મોટા ભાષણોમાં કે જાહેર વખાણોમાં નથી બનતો. વિશ્વાસ તો એ નાજુક અને અદૃશ્ય પળોમાં બને છે જ્યારે માણસ સરળતાથી ખોટું કરી શકે તેમ હોય છતાં સાચું કરવાનું પસંદ કરે.

બસ, એ જ છે સાચી વિશ્વસનીયતા, ભરોસાપાત્રતા, કે સાચું ચારિત્ર્ય.

પ્રિન્સિપાલની ખુરશી નહીં,
Instagram પરની blue tick નહીં,

કે LinkedIn પર લખેલું “Future Leader | Visionary | Innovator” પણ નહીં,

ચારિત્ર્ય તો ચૂપચાપ જન્મે છે-
એ વિદ્યાર્થીમાં જેને ભૂલથી વધારાના ગુણ મળી જાય ત્યારે સુધરાવે, 

એ મિત્રમાં જે WhatsApp groupમાં paper leak કરવાનું નકારે,      
એ શિક્ષકમાં જેમને જાણ થાય કે તેમનાથી ઓછા ગુણ અપાયા છે  ત્યારે સાહજિકતાથી સુધારે, 
એ સંશોધકમાં જે plagiarism software પકડી ન શકે તો પણ સચ્ચાઈથી લખે,
એ દુકાનદારના દીકરામાં જે વસ્તુનું વજન ઈમાનદારીથી કરે,
અને એ સંપન્ન વિદ્યાર્થીમાં  જે canteenના સેવક સાથે પણ CEO જેટલો જ આદર રાખે.

આ બધી અદૃશ્ય પરીક્ષાઓ છે. જીવનને marksheet કરતાં આવી બાબતો વધુ લાંબા સમય સુધી યાદગાર બનાવે છે. ગાંધીજી કહેતા કે “સાધન પણ એટલું જ મહત્વનું છે, જેટલું સાધ્ય.” આજની ભાષામાં કહીએ તો અર્થ એવો થાય કે “સફળ થવા માટે પોતાનો અંતરાત્મા ધીમે ધીમે વેચી નાંખશો નહીં.”

હા, દુનિયા ક્યારેક shortcutsને ઇનામ આપે છે. તમે જોશો કે લોકો ઝડપથી પૈસા કમાય છે, ઝડપથી famous થાય છે, ઝડપથી viral થાય છે, ઝડપથી પદોન્નત થાય છે. આ ઝાકઝમાળ ભ્રમિત કરી શકે છે પણ યાદ રાખજો કે માણસનું ચારિત્ર્ય બનતા તો વરસો લાગે છે. ટેક્નોલોજીના નૂતન આવિષ્કારો આપણને આકર્ષી શકે છે. એ સાચું છે કે ટેકનોલોજી પોતે દુશ્મન નથી. છરીથી ફળ પણ કપાય અને ઇજા પણ થાય. AI તમને સુંદર રીતે શીખવી પણ શકે અને ભણવાનું ટાળવામાં મદદ પણ કરી શકે. સાધન આધુનિક હોઈ શકે, પણ અંતરાત્માએ પ્રાચીન જ રહેવું જોઈએ.

મને ખબર છે, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ બે-બે દુનિયા વચ્ચે જીવતા હોય છે.
કોઈ પરિવારની દુકાન સંભાળ્યા પછી classમાં આવે છે.
કોઈ ગામડાંમાંથી નબળું internet હોવા છતાં મજબૂત સપનાઓ લઈને આવે છે.
કોઈ night shift પછી lecturesમાં બેસે છે.
કોઈ memes અને emojis પાછળ પોતાની ચિંતા છુપાવે છે.
અને કોઈ એવા પણ છે કે જેમને પૈસાની કોઈ કમી નથી પણ જીવનનો અર્થ શોધવામાં હજી ભટકે છે.

આ બધી મુસાફરીઓમાં, પ્રામાણિકતા તમારો સૌથી શાંત અને સાચો સાથી બને છે. કારણ કે એક દિવસ-
તમારી degree દિવાલ પર લટકશે.
તમારો પગાર વધશે-ઘટશે.
તમારા followers આવશે-જશે.

પણ તમે કોઈ જોતું ન હોય ત્યારે જે માણસ બન્યા હશો એ માણસ આખી જિંદગી તમારી બાજુમાં ઉપસ્થિત રહેશે.

તો હવે પછી copied assignment submit કરતાં પહેલાં અથવા સરળ shortcut લેતા પહેલાં, તમારી જાતને ધીમેથી પૂછજોઃ જો કોઈ વખાણે નહીં, કોઇ વખોડે નહીં, કોઇ નોંધ પણ લે નહીં અને કોઈને ખબર પણ ન પડે તેવી સ્થિતિમાં પણ હું મારી જાતનો આદર કરી શકીશ? મારા પ્રિય વિદ્યાર્થીઓ, આ પ્રશ્નનો જવાબ જ તમારી સાચી કેળવણી છે.

અને હા, આગામી પત્ર વાંચવા માટે આ બ્લોગને Follow કરવાનું ન ભૂલશો.

સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા રહેશે

-ભરત જોશી “પાર્થ મહાબાહુ”

(અહીં રજૂ કરેલી તસવીરો AI tools દ્વારા બનાવાયેલી છે.)